Swift

રવિ-ભાણ સંપ્રદાયના સંતો


રવિ-ભાણ સંપ્રદાયના સંતો 




       



         ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતાના ઘણા સંપ્રદાય અને મઠ ચાલતા હોય છે અને આવા જ સંપ્રદાયોના કારણે ભારતીય સંસ્કૃતિ અતૂટ છે. બ્રહ્મજ્ઞાન અને ભક્તિ યોગનો આવો જ એક સંપ્રદાય એટલે રવિ-ભાણ સંપ્રદાય. રવિ-ભાણ સંપ્રદાયમાં રવિ એટલે સંત શ્રી રવિ સાહેબ અને ભાણ એટલે સંત શ્રી ભાણ સાહેબ.
        ભાણ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરૂષ મનાય છે. તેઓ કબીરના અવતાર પણ ગણાય છે. ભાણસાહેબનો જન્મ. મહા સુદ તા. ર૧/ ૦૧ /૧૬૯૮ અને વિ.સં ૧૭૫૪ ને મંગળવારે લોહાણા જ્ઞાતિમાં પિતા કલ્યાણજી ઠક્કર અને માતા અંબાબાઈને ત્યાં કનખિલોડ ગામે થયો હતો. જન્મની સાથે જ તેમને આગળના બે દાંત ઉગેલા હતા. આથી ગામનાં લોકોને અપશુકનિયાળ લાગ્યા. તેથી ગામલોકોએ ભાણ સાહેબના કુટુંબને હેરાન કરવાનું ચાલું કર્યું. છેવટે ભાણ સાહેબના કુટુંબે પોતાના માદરે વતન વારાહી( હાલ જિ.પાટણ) ખાતે સ્થળાંતર કર્યું. ભાણ સાહેબને ચાલીસ શિષ્યો હતા. તેમની આ શિષ્યમંડળી ભાણફોજ નામે ઓળખાતી. જેમાંના રવિ સાહેબ નામના તેમના પ્રતાપી શિષ્યે રવિ-ભાણ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
        રવિ સાહેબ રવિ-ભાણ સંપ્રદાયના સ્થાપક સંત છે. રવિસાહબનો જન્મ મહા સુદ ૧પ ગુરુવારે તા.૦૬/૧ર /૧૭ર૭ વીસા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં મંછારામ ઈચ્છાબાઈ ને ત્યાં ભરૂચ જિલ્લાના અમોદ તાલુકાના તણછા ગામે થયો હતો. કહેવાય છે કે પૂર્વજીવનમાં (દીક્ષા પહેલાં) તેઓ રવજી નામે ધૂર્ત અને વ્યાજખાઉં વાણિયા હતા. કોઇ કહે છે તેઓ રવજી નામના દુષ્ટ અને જુલ્મી જમાદાર હતા, પણ ભાણસાહેબના સત્સંગનો એવો રંગ લાગ્યો કે તેઓ પોતાની બધી જ સારી-નરસી પ્રવૃત્તિઓ છોડીને ભક્તિના માર્ગે વળી ગયા. તેમના ઘણા શિષ્યો હતા જેમાં મોરાર સાહેબને સમર્થ સંત ગણાયા છે.
        ખીમ સાહેબ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય હતા. ખીમસાહેબ રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ છે. તેમની માતાનું નામ ભાણબાઈ અને તેઓ જ્ઞાતિએ લોહાણા (ઠક્કર) હતા. જન્મ અને વતન : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા), ભક્તિસ્થળ અને ગુરુગાદી : દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ). આ પ્રદેશના ખારવાઓ (માછીમાર સમાજ)માં એમણે ‘રવિ-ભાણ સંપ્રદાય’નો પ્રચાર-પ્રસાર કર્યો હતો.આથી તેઓ ખલક દરિયા ખીમ અને દરિયાપીર નામોથી પણ લોકસમુહમાં પ્રખ્યાત છે.તેમનું સૌથી મોટુ અને મહત્વનું પ્રદાન તો મેઘવાળ ગરવા બ્રાહ્મણ જ્ઞાતિના ત્રિકમ સાહેબને દીક્ષા આપીને રવિ-ભાણ સંપ્રદાયમાં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપવાનું કરેલું કાર્ય છે.જેમાંથી ત્રિકમ સાહેબ‚ ભીમ સાહેબ‚ દાસી જીવણ, નથુરામ, બાલક સાહેબ, પીઠો ભગત, અક્કલ સાહેબ, દાસ વાઘો, લક્ષ્મી સાહેબ જેવાં એકએક્થી ચડિયાતાં અનેક સંત રત્નો આપણને મળ્યાં છે. તેમણે ઇ.સ. ૧૭૭૧ માં બાંધેલી દરિયાસ્થાન-રાપર (તા.રાપર, જિ.કચ્છ) નામની જગ્યામાં ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી.
        ત્રિકમ સાહેબ ખીમ સાહેબના શિષ્ય હતા. તેમનો જન્મ કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે થયો હતો. ત્રિકમ સાહેબ કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત હતા. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મક ભજન અને કબીરવાણીનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. પોતાનાં જીવન દરમિયાન તે સમયે છુતાછુતનાં રિવાજથી તેઓએ ઘણો સંઘર્ષ કર્યો હતો અને તેઓ એક સિધ્ધ સંતમાં સ્થાન પામ્યા હતાં અને તેઓને ભાણસંપ્રદાયમાં ત્રિકમનું બિરૂદ પામ્યા હતાં.
         કૃષ્ણ ભકત જીવણદાસ પુરુષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતાં હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. દાસી જીવણ એ રવિભાણ સંપ્રદાયનાં ઓજસ્વી સંતકવિઓની વેલનું અમરફળ છે. રવિસાહેબ અને દાસી જીવણના પદોએ આટલાં વર્ષે પણ જનમાનસનાં હૈયામાં પોતાનું સ્થાન અણડોલ પણે જાળવી રાખ્યું છે. આમ તેમના ભજનને આત્મજ્ઞાનની અનુભવરૂપી વાણીનો જ એક પરિપાક ગણવામાં આવે છે. તેમણે દાસીભાવે અનેક પદો અને ભજનો રચ્યાં, જે આજેય લોકજીભે પ્રચલિત છે. વસ્ત્ર પરિધાનમાં પણ તેઓ ભારે વરણાગી ગણાતા. પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા. દાસી જીવણને સૌરાષ્ટ્રની મીરાં બાઈ પણ કહેવાય છે. દાસી જીવણનો જન્મ રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામમાં થયો હતો. જે સંવત ૧૮૦૬ માં આસો મહિનાની અમાસ એટલેકે દિવાળીના દિવસે મેધવાળ જ્ઞાતિનાં એક ગરીબ કુંટુંબમાં થયો હતો. તેમનું મુળનામ જીવણદાસ હતું. તેમનાં પિતાનું નામ જગા દાફડા અને માતાનું નામ સામબાઈ હતું. દાસી જીવણનાં પિતાનો વ્યવસાય તે સમયનાં ગોંડલ સ્ટેટનાં મરેલા પશુઓનાં ચામડાં ઉતારી તેને કેળવવાનો ઈજારો રાખવાનો હતો. ગોંડલ સ્ટેટનાં ચમારોમાં દાસી જીવણનાં પિતાનું બહુ મોટું નામ ગણાતુ હતું. વ્યવસાય પ્રમાણે કોઈ કોઈ માણસો તેને ચમાર જ્ઞાતિનાં પણ ગણે છે. ધાર્મિક લાગણી અને ઈશ્વરી આસ્થા દાસી જીવણના કુંટુંબનું અંગ બની ગયા હતા. રાત પડે અને જગા દાફડાની ડેલીએ ભજનો શરૂ થાય. સાધુ-સંતો માટે તેમનું ઘર આશરો બની રહેતું. આવા વાતાવરણ વચ્ચે દાસી જીવણનો ઉછેર થતો હતો. દાસી જીવણ પોતાના પિતાનાં વ્યવસાય કરતાં કરતાં મન તો ભક્તિના રંગમાં ડુબેલું જ રાખતા. દાસી જીવણ યુવાન થતા તેમના પિતા અને માતાએ તેમના માટે સારી કન્યા શોધવા માંડયા. લગ્ન માટે આમ તો દાસી જીવણની ઈચ્છા ન હતી છતા પણ પોતાના માતાપિતાની આજ્ઞાને શિરે ધરી. સમય થતા જાલુમા નામની કન્યા સાથે તેમના લગ્ન થયા. પોતાનો સંસાર સમયનાં વહેણની સાથે ચાલવા લાગ્યો અને તેમને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેમનુ નામ દેશળ રાખવામાં આવ્યુ. સંસારની જવાબદારી વધવા છતા પણ તેમનો ભક્તિમાં લીન રહેવા લાગ્યા. તેઓ આજુબાજુના ગામમાં થતા ભજનમાં પણ જવા લાગ્યા. હવે તો પોતાનાં ઘરમાં પણ સાધુઓની અવર જવર વધવા લાગી. તેમના પિતાએ શરૂ કરેલ આતિથ્ય સતકારની ભાવનાથી રંગાયેલ દાસી જીવણને આ કાર્યમા આનંદ આવતો હતો. આમ એક દિવસ રવિભાણ સંપ્રદાયનાં સિધ્ધસંત ત્રિકમ સાહેબનાં શિષ્ય એવા આમરણ(તા.મોરબી) નિવાસી સંતશ્રી બહું સાહેબના સમ્પર્કમાં આવ્યા પછી પ્રેમલક્ષણા ભકિતનો ઉદય થયો. તેમની સાથે ભક્તિની વાતો કરે અને સતસંગમા આનંદ મેળવતા હતા. આમ પણ દાસી જીવણને નાનપણથી જ ખ્યાલ હતો કે ગુરૂ વિના સાચુ જ્ઞાન મળતુ નથી, અને જો ઈશ્વરનાં દર્શન કરવા હોય તો ગુરૂજ્ઞાન થવુ જરૂરી હતુ. દાસી જીવણને જયારે કોઈ સંત તેજસ્વી લાગતા ત્યારે તે પોતાના ગુરૂ માનીને કંઠી બંધવતા હતા. આમ પ્રભુ ઉપાસનાનાં પંથે પડેલા દાસી જીવણે ૧૭ વખત ગુરૂ બદલાવ્યા, પણ ક્યાંય મેળ ન જામ્યો. પોતાનુ હૈયુ ઠરે તેવા ગુરૂની શોધમાં હતા. તેવામાં તેમને ભીમસાહેબનો ભેટો થયો. મનમાં જેવા ગુરૂની કલ્પના કરી હતી તે સાકાર થઈ. પરમતત્વની લે લાગી ગઈ. હદયનાં કમાડ ઉઘડી ગયા અને દાસી જીવણની વાણી વહેતી થઈ.
       પ્રેમ સાહેબ (ઇ.સ. ૧૭૯ર-૧૮૬૩) રવિભાણ સંપ્રદાયના સંત કવિ હતા. દાસી જીવણ પ્રેમ સાહેબના ગુરુ હતા. રાજકોટ જિલ્લાનું કોટડા-સાંગાણી ગામ તેમનું વતન હતું અને ત્યાં રહીને જ તેમણે ભક્તિ કરી. તેમનો જન્મ વિ.સં. ૧૮૪૮ની પોષ વદ બીજના દિવસે પિતા પદમાજી અને માતા સુંદરબાઈને ઘેર કડિયા જ્ઞાતિમાં થયો હતો. મલુબાઈ નામની કન્યા સાથે તેમના લગ્ન થયા હતા જેનાથી વિશ્રામ નામે દીકરો જન્મ્યો હતો જે આગળ જતા 'વિશ્રામ સાહેબ' તરીકે ઓળખાયો. પ્રેમ સાહેબની બુંદશિષ્ય પરંપરા વિશ્રામ સાહેબ - માધવ સાહેબ - પુરુષોત્તમદાસજી - પ્રેમવંશ ગુરુચરણદાસજી - જગદીશદાસજી એ રીતે ચાલી આવે છે. તેમના શિષ્યોમાં દાસ વાઘો (વાઘા ભગત) મુખ્ય છે. રવિભાણ સંપ્રદાયમાં અને ખાસ કરીને પ્રેમવંશમાં વિશ્રામ સાહેબને દાસી જીવણનો અવતાર માનવામાં આવે છે. આ બાબતે પુરુષોત્તમદાસજી પોતાની એક વાણીમાં કહે છે કે:

પ્રેમવંશ વિશરામ, જાગીયા જીવણ જોગી,
ગરવા ગુણ ગંભીર, સુંન પર સુરતા પોગી.
તાકા માધવરામ, નામ કી નિષ્ટા સાચી,
કહૈ પુરુષોત્તમ દાસ, આશ માધવ રંગ રાચી.

—પુરુષોત્તમદાસ

            કચ્છ જિલ્લામાં રબારી કુળમાં અને ખટાણા અટકમાં કુંભારામનો જન્મ થયો. તેઓના પિતાનું નામ અખૈઈદાસ અને માતાનું નામ વીરાંબાઈ હતું. કુંભારામ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે તેમના પિતાજી અખૈઈદાસનું મૃત્યુ થયું. ત્યારબાદ ઘરનો બધો જ કાર્યભાર કુંભારામ સંભાળતા અને તેઓ ઘેટાં બકરાં ચરાવવાનું કામ કરતા હતા. એક દિવસ કુંભારામને ભક્તિ કરવાની ઈચ્છા જાગી અને તેઓ ભજન સત્સંગમાં જવા લાગ્યા અને ત્યાં તેમની મુલાકાત રવિભાણ સંપ્રદાયના સંત પ્રેમદાસ ગોદડીયાથી થઈ. પ્રેમદાસ એ ગોદડી ઓઢતા તેથી તેમને સૌ પ્રેમદાસ ગોદડીયા કહેતા ! પ્રેમદાસ ગોદડીયા એ કચ્છ જિલ્લાના પલાસ્વા ગામમાં રહેતા અને બધે ફરતા અને બ્રહ્મનો ઉપદેશ આપતાં હતા. કુંભારામ બાપુ વીસ વર્ષની ઉંમરે પ્રેમદાસ ગોદડીયાના શિષ્ય થયા અને ત્યારબાદ તેઓ ખૂબ ભક્તિ કરવા લાગ્યા ! તેઓ તેમના ગુરુના વચનો પાડતા અને ભજન અને ભક્તિ કરવામાં માનતા ! કુંભારામની ઉંમર જ્યારે ત્રીસ વર્ષની હતી ત્યારે એમની માતા વીરાંબાઈનું અવસાન થયું અને ત્યારબાદ તેઓ ઘણા વર્ષો સિંધ પ્રદેશ પાકિસ્તાનમાં રહ્યા અને પાકિસ્તાન છૂટું પડતાં કચ્છમાં પોતાના વતન ભુટકીયા ગામમાં તેઓ પરત ફર્યા. કુંભારામબાપુએ ભક્તોને ઉપદેશ આપવાનું શરૂ કર્યું અને તેઓ ગામે ગામ ફરતાં અને ઉપદેશ આપતાં ! ભક્ત કુંભારામના મુખ્ય બે શિષ્ય હતા એક કાબારામ અને બીજા રાજારામ. કાબારામ વીસ વર્ષની ઉંમરે ઉપદેશ લીધો અને શિષ્ય થયા અને તેમણે પચીસ વર્ષની ઉંમરે ઘરનો ધંધો છોડી દીધો અને વિવિધ ગામમાં ફરીને ભજન સત્સંગ કરતાં અને કાબારામ ૩૫ વર્ષની ઉંમરે દેવલોક પામ્યા. કુંભારામબાપૂ ૦૫/૧૨/૧૯૬૭ ના રોજ આણંદ ગયા અને ત્યાં એક ભક્ત મંડળની રચના કરી અને આણંદમાં પોતાનો સત્સંગ અને ભક્તિરસ આપ્યો ! ઈ.સ. ૨૧/૦૧/૧૯૭૩ના રોજ સંત શ્રી કુંભારામ બાપુ તેમના વતન ભુટકીયામાં બ્રહ્મલીન થયા. આજે તેમના સમાધિ સ્થળે ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરવામાં આવેલ છે. સંત શ્રી રાણારામ બાપૂ એ સંત શ્રી કુંભારામ બાપુમાં શિષ્ય હતા.
             સંત શ્રી રાણારામ બાપૂનો જન્મ વિક્રમ સંવત ૧૯૯૧, અષાઢ સુદ ૧૧ ને શનિવારના રોજ કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના દેશલપર ગામમાં રબારી કુળમાં અને આલ અટકમાં થયો હતો. તેમનો ધંધો મુખ્યત્વે ગાયો ચરાવવાનો હતો. તેમની માતાનું નામ ગંગાબાઈ અને પિતાનું નામ ભીખારામ હતું. સંત શ્રી રાણારામના ઘરે ક્યારેય કોઈ સત્સંગ અને ભજન થતા નહોતા. તેમના ઘરે ભુવા ધુણાવવાની પરંપરા હતી. શ્રી રાણારામને ૧૧ વર્ષની ઉંમરે ભક્તિ કરવાની કુદરતી ઈચ્છા થઈ અને તેઓની મુલાકાત ભુટકીયામાં સંત શ્રી કુંભરામથી થઈ અને તેમણે સંત શ્રી કુંભરામ બાપૂ પાસેથી વિક્રમ સંવત ૨૦૦૬ની સાલમાં કારતક વદ ૬ ને શનિવારના રોજ ઉપદેશ લીધો ! ત્યારબાદ સંત શ્રી રાણારામ બાપૂ વિવિધ જગ્યાએ ભજન, સત્સંગમાં જવા લાગ્યા અને તેઓના વંશમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. દીકરીનું નામ મેઘુબેન (જે હાલ સાસરે છે) અને દીકરાઓમાં દેવરાજભાઈ, જગદીશભાઈ અને નાના અણદાભાઈ છે. સંત શ્રી રાણારામ બાપૂ કચ્છથી ડીસા સ્થાયી થયા અને તેઓ ગામે ગામ ફરીને સત્સંગ કરવા લાગ્યા અને ઘણા બધા લોકોને ઉપદેશ આપ્યા અને સમાજમાં કંઈક પરિવર્તન આવે તેવા પ્રયાસ કર્યા. બ્રહ્મવેતા શ્રી રાણારામ બાપુએ ૩/૦૧/૨૦૦૬ ના રોજ સવારે ૪:૦૦ કલાકે બ્રહ્મલીન થયા અને તેમની સમાધિ કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં ભીમાસર હમીપર રોડ પર રામદેવપીર ભગવાનના મંદિરની બાજુમાં છે.
             રવિ-ભાણ સંપ્રદાયમાં વિવિધ વચનો અને નિમટેક છે જેને અનુસરવાથી સત્સંગનો માર્ગ મોકળો બને છે. એ નિમટેકમાં જોઈએ તો (૧)મનમાં કોઈના પ્રત્યે ખરાબ વૃત્તિ રાખવી નહિ, (૨)જુગાર ના રમવો, (૩)દારૂ ના પીવો, (૪)આખલાને કે પાડાને એક વર્ષ પછી જ પાંજરાપોળમાં મોકલવો (૫) માંસાહાર ના કરવો (૬) પર સ્ત્રી સાથે સંબંધ ના રાખવા (૭) કમાણી માંથી કેટલોક ભાગ સારા કામમાં વાપરવો વગેરે. આ બધા નિમટેક સંત શ્રી કુંભારામ બાપૂ અને સંત શ્રી રાણારામ બાપૂએ પોતાના ઉપદેશમાં આપ્યા હતાં.
     



લેખક (સંકલન) : પ્રદિપ પ્રજાપતિ 


You Might Also Like

0 comments

Flickr Images