Swift

આંતરજ્ઞાતિય લગ્ન અને પ્રેમ લગ્ન














આપણે સૌએ જ્ઞાતિને સમાજ માની લીધો છે અને આ જ કારણે આપણા દેશમાં જ્ઞાતિવાદ વધતો જાય છે. ગાંધીજી અને બાબા સાહેબનું સ્વપ્ન હતું કે આપણો દેશ આ જ્ઞાતિવાદની જંજાળ માંથી મુક્ત થઈને એક થાય !
          ટેક્નોલોજી વધતી જાય છે અને ટેક્નોલોજી જ જ્ઞાતિવાદની પ્રથા દૂર કરી રહી છે. આજના યુવાનો પોતાના ફોનમાં કે કમ્પ્યુટરમાં ઈન્ટરનેટના માધ્યમથી જોડાઈ રહ્યા છે અને દુનિયા એક બની રહી છે. અમેરિકામાં કોઈપણ ઘટના બને તો તેની જાણ સૌપ્રથમ આજના ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં યુવાનને થાય છે. હવે આ યુવાનો કોઈક વાર તો પ્રેમમાં પડે છે અને એ યુવાનોને એક વખત તો વિચાર આવે કે હું એનાથી જ લગ્ન કરીશ કે જેને હું પ્રેમ કરું છું. આ વિચાર પછી તરત જ બીજો વિચાર એ આવે છે કે મારા ઘરના લોકો અને સમાજ મારા પ્રેમનો સ્વીકાર કરશે કે નહીં ? આપણા સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન કરવા એ કોઈ પુરસ્કાર લાવવાથી ઓછું નથી ! ચાલો એકવાર માની લઈએ કે આપણા સમાજમાં જ્ઞાતિ પ્રમાણે જ લગ્ન કરાય ! ત્યારે આ સમયે શું જે - તે જ્ઞાતિમાં છોકરાઓ સામે પૂરતી છોકરીઓ હશે ? સવાલો ઘણાં છે ને પડકારો પણ ઓછા નથી. આપણે ગુજરાતીઓ જેને સારી રીતે ઓળખતા નથી તેની સાથે બિઝનેસ કરતા નથી, અરે બિઝનેસ તો શું તેની સાથે અંગત વાત પણ નથી કરતા પણ આપણે જેને સારી રીતે ઓળખતા નથી તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ જઈએ છીએ. આપણા સમાજમાં જ્ઞાતિપ્રથા એટલી હદ સુધી વધી ગઈ છે કે આપણે જ્ઞાતિને જ સમાજ માની લીધો છે. કોની સાથે લગ્ન કરવા એ નિર્ણય લેવા માટે હજુ પણ આપણા યુવાનો સ્વતંત્ર નથી ! તેથી જ આપણા યુવાનો હજુ પણ સમાજ અને જ્ઞાતિવાદની માનસિક ગુલામીમાં જીવે છે ! હવે આ પ્રથા બદલાવી જ પડશે  નહિ તો આ સમાજ જ્ઞાતિવાદમાં જ ખતમ થઈ જશે. બધા ને પ્રેમ એટલે કે લવ સ્ટોરી ગમે છે પણ આ સમાજમાં જાહેરમાં કેટલા આવે છે ? આ એક કડવી હકીકત છે. કોઈ જ્ઞાતિની છોકરી બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરવા માંગે ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને સજ શબ્દોમાં વર્ણવી ન શકાય ! આ વાત આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉલટી પડે છે ! આપણા શાસ્ત્રોમાં પ્રેમનું મહત્વ છે પણ તે વાત ને પ્રેક્ટિકલ લાઈફમાં ઉપયોગ કરવી એ થોડી મુશ્કેલ છે. આજના ટેક્નોલોજી યુક્ત યુવાનો આ વાત ને પ્રેક્ટિકલ લાઈફમાં મુકશે જ ! વિદેશોમાં આવો જ્ઞાતિવાદ જોવા જ નથી મળતો, આ તેમનો પલ્સ પોઇન્ટ છે અને આ જ્ઞાતિવાદ આપણા દેશમાં જોવા મળે છે તે આપણો માઇનસ પોઇન્ટ છે. શું લગ્ન માટે બે યુગલ વચ્ચે ખાલી પ્રેમ હોય તો ના ચાલે ? આ જ્ઞાતિવાદ એ માનવ સમાજને ઉખાડી નાખવા માટે પૂરતો છે. આ માનવ સમાજ માટે ધીમું ઝેર જ છે. કોઈ જ્ઞાતિમાં છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી હશે તો તે જ્ઞાતિના યુવાનો કુંવારા જ રહેશે ? આવા કેટકેટલાય સવાલો આપણા માનવ સમાજ સામે છે. આજે મોટાભાગના યુવાનો એ કોઈકને તો પ્રેમ કર્યો જ હશે અને તેની સાથે એકવાર લગ્ન કરવાનો પણ વિચાર આવ્યો હશે પણ તેના પછી બીજો વિચાર એ આવ્યો હશે કે આ સમાજ શું વિચારશે ? મારા ઘરનાં લોકો આ  છોકરીનો સ્વીકાર કરશે ? આવા સવાલોમાં અને એના જવાબમાં શું આવે તેની મૂંઝવણમાં અટવાયેલી છે આજની યુવા પેઢી ! આપણા ભારત દેશમાં યુવાનો ખૂબ જ વધારે પ્રમાણે છે પણ આ યુવાનોને જ જ્ઞાતિવાદ ભરખી જશે. ત્યારે આ યુવાનોની સમસ્યાનું નિવારણ યુવાનો જ કરશે અને તે માટે યુવાનોએ જ આંતરજ્ઞાતિય લગ્ન માટે શરૂઆત કરવી પડશે.

You Might Also Like

0 comments

Flickr Images