Swift

એક વાસ્તવિક શિક્ષકની સાધના



કોઇપણ વ્યક્તિના મનમાં શિક્ષકની છાપ હંમેશ સારી હોય છે. તયારે આ સારી છાપ શિક્ષકમાં રહેલ એક સાધકની પ્રતીતિ કરાવે છે. ઘણી વખત શિક્ષકની સરખામણી ગુરુ સાથે કરવામાં આવે છે. એમ જોવા જઇએ તો શિક્ષક અને ગુરુ બંનેનું વ્યક્તિત્વ અલગ હોય છે. શિક્ષક વિશે કહેતાં પહેલા શિક્ષક શબ્દને સમજવાનો પ્રયાસ કરીએ. કોઈ માણસ એમ ક્યારેય નહીં કહી શકે કે મારા જીવનમાં એકપણ શિક્ષક નહોતો. જો શિક્ષકની સરળ વ્યાખ્યા આપવી હોય તો એટલુ જ કહેવાય કે જીવનમાં જે કંઇક નવું શીખવે એજ સાચો શિક્ષક. શિક્ષક બનવું એ સરળ નથી. કારણકે કોઈ એક વિદ્યાર્થી ગણિત જેવા વિષયમાં 100 માંથી 100 ગુણ લાવી શકે છે પણ બીજા કોઈ વિદ્યાર્થીને શીખવીને 100 માંથી 100 ગુણ અપાવી શકવાની સંભાવના ઘણી ઓછી છે. ત્યારે આ શિક્ષક નામ ધારણ કરવું જ મહાન કાર્ય છે. એક શિક્ષકની સાચી પરીક્ષા વિદ્યાર્થી સામે જ થાય છે અને આ પરીક્ષા વિદ્યાર્થીના પરિણામ દ્રારા થતી નથી પણ વિદ્યાર્થી પોતાના જીવનમાં કેટલો સત્યવાન અને કર્મનિષ્ઠ બને છે તેના પરથી થાય છે. આ સમયે એક સવાલ પેદા થાય છે કે શું વિદ્યાર્થીઓને આવા શિક્ષકોમાં રસ છે ? મારા મત મુજબ તો વર્તમાન સમયના આધુનિક વિદ્યાર્થીઓને આવા શ્રેષ્ઠ અને ગુણવાન શિક્ષકોમાં કોઈ જ રસ નથી. ત્યારે આનું કારણ શું છે ? એક વિચાર પ્રમાણે જોવા જઇએ તો આજના વિદ્યાર્થીઓ ખૂબ આધુનિક બની ગયા છે અને જીવનના દરેક તબક્કે ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. તેની સામે શિક્ષકોને જોવા જઇએ તો આજના શિક્ષકો પ્રચલિત પદ્ધતિ પ્રમાણે જ શિક્ષણ આપે છે અને કાર્ય કરે છે. હું જૂના શિક્ષકોની વાત કરું છું. કારણકે નવા શિક્ષકો તો ટેક્નોલોજીનો ઉપયોગ કરે જ છે. હવે અહીં શિક્ષકોના બે પ્રકાર પડે છે. પહેલા પ્રકારમાં જૂના શિક્ષકોનો સમાવેશ થાય છે અને બીજા ભાગમાં નવા શિક્ષકોનો સમાવેશ થાય છે. હવે બંનેની ખામીઓ તથા ખૂબીઓ વિશે વાત કરીએ તો બન્ને પ્રકારના શિક્ષકોની આપણા સમાજને જરૂર છે. સૌપ્રથમ વાત કરીએ જૂના શિક્ષકોની તો આવા શિક્ષકો પાસે શિક્ષણ આપવાનો ખૂબ જ સારો અનુભવ હોય છે અને તેથી તેઓ પાસે જ્ઞાન પણ ખૂબ જ સારું હોય છે. જૂના શિક્ષકો પાસે જ્ઞાન અને અનુભવ બન્ને હોય છે તેથી તેઓ આદર્શ શિક્ષક તરીકે સૌની નજરમાં આવે છે પણ શિક્ષક વિદ્યાર્થીઓની નજરમાં સારા હોય તે ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ વર્તમાન પરિસ્થિતિ મુજબ ચાલતાં આધુનિક અને નવા શિક્ષકોની તો નવા શિક્ષકોને વિદ્યાર્થીઓ ખાસ પસંદ કરતા હોય છે. કારણકે નવા શિક્ષકો આધુનિક ફેશનને અનુસરે છે તથા વિદ્યાર્થીઓની જેમ તેઓ પણ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. નવા શિક્ષકોનું વ્યક્તિત્વ આધુનિક વિદ્યાર્થીઓ સાથે ઘણું મેળ ખાય છે. જૂના શિક્ષકોમાં આધુનિકતાની કમી છે જ્યારે નવા શિક્ષકોમાં અનુભવ અને ઘણી વખત જ્ઞાનની પણ કમી જોવા મળે છે. જો નવા અને જૂના શિક્ષકો સમન્વય સાથે શિક્ષણ આપવાનું શરું કરી દે તો શિક્ષણમાં કંઇક પરિવર્તન તો જોવા મળશે જ. આધુનિક શિક્ષણમાં વાર્તાનું કથન થતું નથી. વાર્તા કહેવાનું કારણ એ છે કે કોઇપણ વિષય શરું કરતા પહેલા તેને લગતી કોઈ ઘટના કે પ્રસંગ વિદ્યાર્થીઓને કહેવામાં આવે તો વિદ્યાર્થીમાં જિજ્ઞાસા વધે છે અને જે તે વિષયમાં રસ બેસે છે. કૉલેજમાં પ્રાર્થના નિયમિત રીતે થવી જોઇએ તેથી વિદ્યાર્થઓમાં શિક્ષણની સાથે વિનય પણ આવે ! જો દરેક શાળાઓ તથા કોલેજોમાં યોગના વર્ગ શરું કરવામાં આવે તો દરેક વિદ્યાર્થી તન - મનથી સમૃદ્ધ રહેશે. વિવેકએ શિક્ષણના પાયામાં રહેલ મહત્વનો ભાગ છે અને આ વિવેકના પાયા પર જ શિક્ષણ ટકી રહેલ છે. તેથી આ વિવેકને વધારે મજબૂત કરવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષક જ્યારે શિક્ષણ આપતાં હોય છે ત્યારે તેઓ સામન્ય વ્યક્તિ કરતા કંઇક વિશેષ હોય છે. જે રીતે એક સાધક સાધના કરીને પરમાત્માની પ્રાપ્તિ કરે છે તેજ રીતે શિક્ષક વિદ્યાર્થીઓને સાધના કરાવીને ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. કોઇપણ શિક્ષક ગમે તેટલાં ગંભીર હોય પણ તેઓની અંદર સરળતા અને પ્રામાણિકતા જેવા ગુણો હોય જ છે. તેથી જ ભારતના ભવિષ્યનો આધાર આજના વિદ્યાર્થીઓ પર રહેલો છે અને વિદ્યાર્થીઓનો આધાર શિક્ષક પર રહેલો છે. વિદ્યાર્થી શિક્ષકને કેટલો પસંદ કરે છે તેનો આધાર શિક્ષકના વ્યક્તિત્વ પર રહેલો છે. શિક્ષકો તપસ્વી કરતા કંઈ ઓછાં તો નથી જ. તેથી શિક્ષક ચાહે તો દેશને મહાન બનાવી શકે છે. સરસ્વતી માતાનાં સાધક બનવું એ કંઇ જેવી તેવી વાત તો નથી જ અને સૌથી મહાન કાર્ય આ જ છે. તેથી જ શિક્ષકોને પ્રણામ કરવાનું મન થાય છે.

લેખક : પ્રદિપ પ્રજાપતિ (પ્રભાત)


You Might Also Like

0 comments

Flickr Images